અન્ય સુવિધાઓ
પુરાંત દ્વારા પુનઃ પ્રાપ્ત કરેલ જમીન પર ખાસ જરૂરિયાતવાળા વર્ગો માટે ઘણી નવી જાહેર સુવિધાઓ ઊભી કરવામાં આવી ચુકી છે.
જૂના સ્થળની પાસે એક કાયમી જગ્યામાં પરંપરાગત “રવિવારી” બજાર માટે રિવરફ્રન્ટ માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બજારમાં ખાસ ડિઝાઇન કરેલ સ્ટોલ્સ અને વ્યાવસાયિક લેવડ દેવડ માટે ૧,૬૪૧ પ્લેટફોર્મ, બેઠક વ્યવસ્થા, ચાલવા માટે ખાસ બનાવેલ ફરસબંધી માર્ગો, ફૂડ કોર્ટ્સ, પરિવહન માટેની જગ્યા, યોગ્ય પાર્કિંગ અને ૪ જાહેર શૌચાલયોની સુવિધા ઊભી કરવામાં આવેલ છે. ૮૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર જાહેર વિસ્તારોમાં કરવામાં આવેલ છે.
રિવરફ્રન્ટ પર એક્ઝિબિશન સેન્ટર ખાતે વ્યાપાર-વેચાણને લગતી વૈશ્વિક કક્ષાની સુવિધાઓ સાથે આયોજન કરવામાં આવેલ છે.
ઇવેન્ટ્સ ગ્રાઉન્ડ સ્થાનિક અને રાષ્ટ્રીય મહત્વના કાર્યક્રમોના આયોજન માટે સ્થળ પૂરું પાડે છે.
ધોબીઘાટ (લૉન્ડ્રી કેમ્પસ) નદીકાંઠાનો વ્યાવસાયિક રીતે કપડાં ધોવા માટે ઉપયોગ કરતાં ધોબી સમાજ માટે સુવિધાઓ પૂરી પાડે છે.
પ્રોજેક્ટની આખી લંબાઈ સાથે આઉટડોર વેન્ડીંગ વિસ્તાર આવેલ છે, રસ્તા પરના ફેરિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી તેઓ પણ આ પ્રોજેક્ટનો લાભ લઇ શકે.
રિવરફ્રન્ટ માર્કેટ
એલિસબ્રિજ નીચે યોજાતા અનૌપચારિક ‘રવિવારી’ બજારને તેના જૂના સ્થાનની પાસે ગાયકવાડ હવેલીની નજીકમાં નવી વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. તેને વેચાણલક્ષી વસ્તુઓને ધ્યાને લઈ યોગ્ય ડિઝાઇન તથા વ્યવસ્થા સાથે ઓપન એર માર્કેટ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યાં વેપારીઓ પોતાના માલનું પ્રદર્શન અને વેચાણ કરી શકે. આ વૃક્ષાચ્છાદિત જાહેર બજારમાં રવિવારે -‘રવિવારી’ અને અઠવાડિયાના બાકીના દિવસો દરમિયાન અન્ય સિઝનલ બજારોનું આયોજન થઈ શકે છે. બજારમાં મુલાકાતીઓ માટે બેઠકની વ્યવસ્થા, જાહેર શૌચાલયો, વિવિધલક્ષી પ્લાઝા, પરિવહન માટે માર્ગ અને પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવેલ છે.
આ બજારને ૩ ફેબ્રુઆરી, ૨૦૧૪ નાં રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી – શ્રી નરેન્દ્ર મોદીનાં વરદ હસ્તે લોકાર્પણ કર્યા બાદ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ પાછળના હેતુઓ અંગે વધુ જાણકારી .
ધોબી ઘાટ
પરંપરાગત રીતે કપડાં ધોવા માટે નદીકાંઠાનો ઉપયોગ કરતાં ધોબી સમાજ માટે અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવા સાથે ધોબીઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. પૂર્વકાંઠે હાલમાં જ નિર્માણ કરવામાં આવેલ આ જગ્યા આશરે 9400 સ્ક્વેર મીટર વિસ્તારમાં ફેલાયેલ છે, અને તેમાં વાહનોની અવરજવર માટેની વ્યવસ્થા, પાર્કિંગ અને સ્થળ પર લાઇટની સુવિધા છે. આ સ્થળ પરનાં સાત બ્લોક્સમાં ગ્રાઉન્ડ લેવલ પર કપડાં ધોવા માટેની વ્યવસ્થા છે અને અગાસી પર કપડાં સુકવવા માટેની સુવિધા છે. આ સ્થળે મીટર સાથે પાણી અને વીજળીની સુવિધા તેમજ ગટર વ્યવસ્થા પણ છે.
આ સુવિધા ૩ ફેબ્રુઆરી, ૨૦૧૪ નાં રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં વરદ હસ્તે લોકાર્પણ થયા બાદ કાર્યરત થઈ ચૂકી છે

જાહેર શૌચાલય
નદીના વોક વે પર અને રિવરફ્રન્ટ માર્કેટમાં મુલાકાતીઓ, વેપારીઓ અને જાહેર જનતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કેટલાક જાહેર શૌચાલયોની સુવિધા ઊભી કરવામાં આવી છે.
લિફ્ટ
રિવરફ્રન્ટ પર અમુક અંતરે લોઅર અને અપર પ્રોમીનાડ ને સાંકળવા માટે નિયમિત અંતરે સિડી તેમજ પાળની વ્યવસ્થા છે. રિવરફ્રન્ટ પર બધા જ વયજૂથના લોકો તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે પ્રવેશ સરળ બનાવવા નિયત કરેલ અંતરે પ્રોમીનાડ પર લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે, જેથી દરેક લોકો સરળતાથી રિવરફ્રન્ટ પર પ્રવેશી શકે.
