પ્રસ્તાવના

ઇ.સ. ૧૪૧૧ માં અમદાવાદની સ્થાપનાના સમયથી સાબરમતી નદી શહેરનું અવિભાજ્ય અંગ રહી છે. પાણીનો મહત્વનો સ્રોત હોવા ઉપરાંત, તેણે સાંસ્કૃતિક અને આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં રંગમંચ તરીકે ભાગ ભજવ્યો છે. પાણી ન હોય ત્યારે નદીના પટમાં ખેતી પણ થતી હતી. સમયની સાથે નદીના પટમાં અનૌપચારિક રીતે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ અને રહેણાંક વસાહતોનો વિકાસ થયો હતો.

છતાં,સમય જતાં અતિ વપરાશને કારણે નદી પર તેની અસર થવા લાગી. ગંદા પાણીના નાળાઓ દ્વારા પ્રદૂષિત પાણી નદીમાં છોડવાને કારણે અને ઔદ્યોગિક કચરાનો નિકાલ કરવાને પરિણામે મોટા પ્રમાણમાં આરોગ્ય અને પર્યાવરણ સામે જોખમ ઊભું થયું હતું. નદીના પટમાં રહેલી ઝૂંપડપટ્ટીઓ પર સતત પૂરનું જોખમ તોળાતું રહેતું હતું અને તેમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો. રિવરફ્રન્ટની આસપાસ ગેરકાયદેસર વિકાસ થઈ રહ્યો હતો. આવી પરિસ્થિતિઓને કારણે નદીનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું હતું અને તે માત્ર શહેરને બે ભાગમાં વહેંચતી એક રેખા બનીને રહી ગઈ હતી. ધીમે ધીમે, શહેર નદી તરફથી પીઠ ફેરવી રહ્યું હતું.

ઘણા સમયથી એવી સમજણ પ્રવર્તતી હતી કે રિવરફ્રન્ટને તેના અનિચ્છનીય સ્વરૂપમાંથી મહત્વની શહેરી અસ્કયામતમાં પરિવર્તિત કરી શકાય છે. આ માટેની દરખાસ્તો ૧૯૬૦ ના દશકથી કરવામાં આવી હતી, અંતે ૧૯૯૮ ના વર્ષમાં આ વિવિધલક્ષી પ્રોજેક્ટનું સ્વપ્ન સેવવામાં આવ્યું અને શહેર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો.

સાબરમતી

સાબરમતી નદી એ વર્ષા આધારિત નદી છે જે અમદાવાદના ઉત્તર-દક્ષિણમાંથી વહે છે અને શહેરને પશ્ચિમ અને પૂર્વ એમ બે હિસ્સાઓમાં વહેંચે છે. અમદાવાદ શહેરની સ્થાપનાના સમયથી જ તે શહેરનું અભિન્ન અંગ રહી છે.શરૂઆતમાં, નદી એ શહેર માટે પાણીનો મુખ્ય સ્રોત હતી. આજે, ઘણા અન્ય સ્રોતોમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. છતાં પણ, નદીનું મહત્વ જળવાઈ રહ્યું છે. નદીકાંઠાએ સાંસ્કૃતિક અને આનંદ પ્રમોદને લગતી પ્રવૃત્તિઓ માટે પણ જગ્યા પૂરી પાડી છે. મહાત્મા ગાંધીએ નદી કિનારે પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો અને આઝાદીની ચળવળ વખતે, અહીંથી જ મીઠાના સત્યાગ્રહની શરૂઆત થઈ હતી. મોટેભાગે સૂકા અને વિશાળ નદીના પટ અને નદીકાંઠાનો ઉપયોગ કપડાં ધોવા માટે અને કાપડ રંગવા માટે થતો હતો. વરસાદ સિવાયની ઋતુઓ દરમિયાન નદીના પટનો ખેતી માટે ઉપયોગ કરવામાં આવતો હતો. તે અનૌપચારિક આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે રવિવારી બજાર વગેરે માટેનું સ્થળ પણ બની ગયું હતું. સમય જતાં શહેરના ઘણા સ્થળાંતરિત થયેલા અને ગરીબ લોકો નદીના કાંઠે અનૌપચારિક વસાહતો બનાવીને રહેવા લાગ્યા.

આ બધા ઉપયોગો અને નિરંકુશ શહેરી વિકાસ સાથે થયેલ દુરુપયોગોને પરિણામે સાબરમતી નદી પ્રદૂષિત, ભ્રષ્ટ અને ઉપેક્ષિત બની. રિવરફ્રન્ટ કલ્પના રહિત અને બિનઆયોજિત વિકાસને લીધે કુખ્યાત બન્યો. નદીકાંઠે રહેલા જે મિલકત માલિકોને પરવડે તેમ હતું, તેમણે પોતાની મિલકતોને પૂરથી થતું ધોવાણ અટકાવવા માટે રક્ષણાત્મક દીવાલો ચણાવી. નદીકાંઠે ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબ નાગરિકો વિનાશક પૂરના જોખમ હેઠળ હતા અને તેમના માટે બુનિયાદી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો. ગટરનું દૂષિત પાણી ઠાલવવાના કારણે અને ઔદ્યોગિક કચરાનો નિકાલ કરવાને કારણે નદી સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે એક મોટા જોખમ તરીકે ઊભરી હતી. કથળતી જતી પરિસ્થિતીને કારણે નદી શહેરના મોટાભાગના લોકો માટે દુર્ગમ બની ચૂકી હતી. નદીકિનારાની મોટાભાગની જમીન ખાનગી માલિકીની હોવાથી અને અનૌપચારિક વસાહતોને કારણે, નદી સુધી પહોંચવાના જાહેર માર્ગો ઘણા ઓછા હતા. ૧૯૭૦ ના દશક સુધીમાં માત્ર નદી પરના પુલો પરથી જ નાગરિકો શહેરના હાર્દમાંથી પસાર થતી નદીને માણી શકતા હતા.

સ્થાનિક ઇતિહાસ

સાબરમતી એ ભારતની પશ્ચિમ ક્ષેત્રની એક મોટી નદી છે. તે વર્ષા આધારિત નદી છે જે રાજસ્થાનની અરવલ્લીની ગિરિમાળાઓમાં ઉદ્ભવે છે અને રાજસ્થાન તથા ગુજરાતમાં તેનો તટપ્રદેશ આવેલો છે. ૪૦૦ કિ.મી. નો પ્રવાસ ખેડ્યા બાદ નદી ખંભાતના અખાતને મળે છે. આરંભિક ૯.૫ કિ.મી. સિવાય તે મહદઅંશે ગુજરાત રાજ્યમાંથી જ વહે છે. વિવિધ ઉપનદીઓ, જેમાં મુખ્યત્વે હમાવ, ગુહાઈ, હાથમતી, ખારી, મેશ્વો, માઝમ, વાત્રક, મોહર અને શેઢી નદીઓ મુખ્ય નદીને મળે છે. ગુજરાત રાજયનું પાટનગર, ગાંધીનગર અને અમદાવાદ આ નદીને કાંઠે વસ્યા છે. સાબરમતી અને તેની ઉપનદીઓ પર કેટલાક બંધ જેવા કે – ધરોઇ ડેમ, હાથમતી ડેમ, હર્ણાવ ડેમ, ગુહાઈ ડેમ, મેશ્વો જળાશય, મેશ્વો બંધ, માઝમ ડેમ અને વાત્રક ડેમ આવેલા છે. પહેલી ચાર યોજનાઓ અમદાવાદ ખાતે આવેલી મુખ્ય નદીને મળનારી ઉપનદીઓ પર આવેલી છે. ધરોઇ ડેમ મુખ્ય નદી પર આવેલો છે.

અમદાવાદ ખાતે, નદી કુલ ૨૭,૮૨૦ ચોરસ કિ.મી.ના કુલ તટપ્રદેશમાંથી ૧૦,૩૭૦ ચોરસ કિ.મી. ના કેચમેન્ટ એરિયામાં પથરાયેલી છે. પ્રોજેક્ટ પહેલાં, નદીની પહોળાઈ ૩૦૦ મીટરથી ૪૨૫ મીટર સુધીની હતી. ૧૯૭૬ માં ધરોઇ ડેમ બાંધવામાં આવ્યો (અમદાવાદથી લગભગ ૨૦૦ કિ.મી. પહેલાં) ત્યાં સુધી સાબરમતીમાં અવાર-નવાર ગંભીર પૂર આવતું હતું. અમદાવાદ છેલ્લા કેટલાક વર્ષોમાં જોયેલા પૂર એ ધરોઇ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે - બાર કલાક પહેલાં જાહેરાત દ્વારા છોડવામાં આવેલ પાણી અમદાવાદમાં પહોંચ્યા તે હતા. ૧૯૭૬ માં સાબરમતીના પાણીના સંગ્રહ માટે અને ફતેહવાડી કેનાલ દ્વારા સિંચાઇ માટે પાણી વાળવા માટે અમદાવાદ પાસે વાસણા બેરેજ બાંધવામાં આવ્યો હતો. નર્મદા કેનાલ, કે જે શહેરના થોડા કિ.મી. પહેલાં નદીને ઓળંગે છે, તે વિશાળ સિંચાઇ નેટવર્કનો હિસ્સો છે.

અગાઉનાં પ્રસ્તાવો

સાબરમતી નદી માટે રિવરફ્રન્ટના વિકાસના પ્રયત્નો નવા નથી. ઘણા વર્ષો પહેલાં, ૧૯૬૦ ના દશકમાં ફ્રેંચ આર્કિટેક્ટ બર્નાર્ડ કોહ્ન, જે ત્યારે અમદાવાદમાં રહેતાં હતાં (શહેરના આર્કિટેક્ટ કમલ મંગળદાસ, એંજિનિયર અનિલ બકેરી અને અન્ય કેટલાક લોકો સાથે મળીને), તેમણે સૌપ્રથમવાર ગાંધી બ્રિજથી સરદાર બ્રિજ સુધી બંને કાંઠે એકસાથે વ્યાવસાયિક,આનંદ પ્રમોદ અને રહેણાંક વિકાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટના હિસ્સાના વિકાસનો પ્રસ્તાવ મૂક્યો હતો.આ પ્રસ્તાવમાં લગભગ ૩૦ હેક્ટર જમીન પુરાંત દ્વારા પરત મેળવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જેમાંથી એક હિસ્સો વ્યાવસાયિક વિકાસ માટે વેચાણ અથવા ભાડાપટ્ટે આપવાનું સૂચન હતું. ૧૯૭૬ માં, સ્થાનિક વ્યાવસાયિકોના એક સમૂહે સાથે મળીને રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ ગ્રૂપ બનાવીને જાહેર રિવરફ્રન્ટના નિર્માણ માટે વૃદ્ધિ આધારિત અભિગમ અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. આમ, ઘણા લાંબા સમયથી એ સમજણ પ્રવર્તતી હતી કે રિવરફ્રન્ટને તેની વર્તમાન અનિચ્છનીય પરિસ્થિતીમાંથી એક મહત્વપૂર્ણ શહેરી અસ્ક્યામતમાં પરિવર્તિત કરી શકાય છે.

ઘટનાક્રમ
 • ૧૯૬૪
  બર્નાર્ડ કોહ્ન, અમાદાવાદમાં રહેતાં ફ્રેંચ આર્કિટેક્ટે ૩૦ હેક્ટર જમીન પુનઃપ્રાપ્ત થાય તે પ્રમાણે, સાબરમતી રિવરફ્રન્ટના સુગ્રથિત આયોજન અને વિકાસ માટેનો પ્રસ્તાવ તૈયાર કર્યો.
 • ૧૯૬૬
  તકનીકી અભ્યાસ પૂર્ણ થયા બાદ, ગુજરાત સરકાર દ્વારા કોહ્નના પ્રસ્તાવને તકનીકીરૂપે બહાલી આપી.
 • ૧૯૭૬
  રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ગ્રૂપે આરંભિક મૂડી રોકાણની જરૂરિયાત ઘટાડવા માટે વૃદ્ધિ આધારિત અભિગમ અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો.
 • ૧૯૯૨
  રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના અંતર્ગત શહેરના સીમાક્ષેત્રની બહાર ગટરો અને પમ્પિંગ સ્ટેશનોના નિર્માણ તેમજ વર્તમાન સૂએજ ટ્રીટમેંટ પ્લાંટ્સમાં સુધારા કરવાનો પ્રસ્તાવ મૂક્યો.

પ્રોજેક્ટનો આરંભ

એ વાત ઘણા સમયથી જાણીતી છે કે અમદાવાદના રિવરફ્રન્ટનો યોગ્ય વિકાસ કરવાથી અને પૂરતા પ્રમાણમાં બુનિયાદી સુવિધાઓનું નિર્માણ કરવાથી સાબરમતી નદી શહેરની એક મહત્વપૂર્ણ અસ્ક્યામતમાં પરિવર્તિત થઈ શકે છે, અને શહેરના તમામ વર્ગના નાગરિકોના જીવનધોરણમાં મહત્વપૂર્ણ સુધારો થઈ શકે છે. સાબરમતી રિવરફ્રન્ટમાં શહેરની અનોખી ઓળખ ઊભી કરવાનું, લોકોને પાણીની નજીક લાવવાનું, શહેરના કેન્દ્ર વિસ્તાર પર પુનઃ ધ્યાન કેન્દ્રિત કરવાનું અને શહેરી સ્તરે સામાજિક માળખું અને આનંદ પ્રમોદની સુવિધાઓનું નિર્માણ કરવાનું સામર્થ્ય છે. આ ઉદ્દેશ્ય સાથે નીચેના પગલાઓ લેવામાં આવ્યા હતાં.

 • ૧૯૯૭
  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (અ.મ્યુ.કો.) યોજનાના નિર્માણ અને વિકાસના પ્રબંધન માટે ખાસ હેતુ વાહન તરીકે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (સા.રી.ફ્ર.ડે.કો.લી) કંપનીનું નિર્માણ કર્યું.
 • ૧૯૯૭
  ડૉ. બિમલ પટેલ (ઈ.પી.સી.) ની આગેવાની હેઠળ યોજનાની ફિસીબીલીટી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને ત્યારબાદ, સા.રી.ફ્ર.ડે.કો.લી એ યોજનાના સ્થાપત્ય,નિર્માણ અને શહેરી ડિઝાઇન વગેરે પાસાઓના નેતૃત્વ માટે એચ.સી.પી. ડિઝાઇન અને પ્રોજેક્ટ મેનેજમેંટ પ્રા.લિ.ની નિમણૂંક કરી.

તમામ સંભાવનાઓ અને પ્રાથમિક ઉદ્દેશ્યોને આવરી લઈને સાબરમતી નદીના બંને કાંઠે આશરે ૧૧ કિલોમીટરની લંબાઈના વ્યાપક વિકાસ માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કલ્પના કરવામાં આવી છે. યોજનાનો અભિગમ સમગ્રપણે રિવરફ્રન્ટની આસપાસ પર્યાવરણની સ્થિતિમાં સુધાર, સામાજિક ઉન્નતિ અને સશક્ત વિકાસ લાવવાનો છે.

ફિસીબીલીટી રિપોર્ટ

સાબરમતી રિવરફ્રન્ટના વિકાસની દરખાસ્ત માટે વર્ષ ૧૯૯૮ માં ઍન્વાયર્મેન્ટ પ્લાનીંગ કોલોબ્રેટિવ (ઈ.પી.સી.) દ્વારા ફિસીબીલીટી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં તકનીકી વિશ્લેષણ અને પ્રોજેક્ટના વિવિધ પાસાઓ માટેની આવશ્યકતાઓનો સમાવેશ થતો હતો – જેમ કે

 •  નદીની ભૌતિક પરિસ્થિતિ
 • નદીની જળશક્તિ
 • જમીન નવપ્રાપ્તિ અને સુગઠિત કિનારા
 • જમીનની માલિકી
 • પાણીનો સંગ્રહ
 • ભૂગર્ભ જળ રિચાર્જ
 • જમીનનો ઉપયોગ અને રોડ નેટવર્ક
 • આંતર માળખાકીય સુવિધાઓ
 • પુનર્વસન અને પુનરુત્થાન
 • અમલીકરણ વ્યૂહરચના
 • યોજના ખર્ચ અને આવકની સંભાવના
 • યોજના ખર્ચ અને આવકની સંભાવના
 • વિકાસ વ્યવસ્થાપન

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમયરેખા

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ઇતિહાસની સમયરેખા અહીં બતાવવામાં આવી છે