પ્રસ્તાવના

ઇ.સ.1411માં અમદાવાદની સ્થાપનાના સમયથી સાબરમતી નદી શહેરનું અવિભાજ્ય અંગ રહી છે. પાણીનો મહત્વનો સ્રોત હોવા ઉપરાંત, તેણે સાંસ્કૃતિક અને આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં રંગમંચ તરીકે ભાગ ભજવ્યો છે. પાણી ન હોય ત્યારે નદીના પટમાં ખેતી પણ થતી હતી. સમયની સાથે નદીના પટમાં અનૌપચારિક રીતે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ અને રહેણાંક વસાહતોનો વિકાસ થયો હતો.
 
છતાં,સમય જતાં અતિ વપરાશને કારણે નદી પર તેની અસર થવા લાગી. ગંદા પાણીના નાળાઓ દ્વારા પ્રદૂષિત પાણી નદીમાં છોડવાને કારણે અને ઔદ્યોગિક કચરાનો નિકાલ કરવાને પરિણામે મોટા પ્રમાણમાં આરોગ્ય અને પર્યાવરણ સામે જોખમ ઊભું થયું હતું. નદીના પટમાં રહેલી ઝૂંપડપટ્ટીઓ પર સતત પૂરનું જોખમ તોળાતું રહેતું હતું અને તેમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો. રિવરફ્રન્ટની આસપાસ ગેરકાયદેસર વિકાસ થઈ રહ્યો હતો. આવી પરિસ્થિતિઓને કારણે નદીનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું હતું અને તે માત્ર શહેરને બે ભાગમાં વહેંચતી એક રેખા બનીને રહી ગઈ હતી. ધીમે ધીમે, શહેર નદી તરફથી પીઠ ફેરવી રહ્યું હતું.
 
ઘણા સમયથી એવી સમજણ પ્રવર્તતી હતી કે રિવરફ્રન્ટને તેના અનિચ્છનીય સ્વરૂપમાંથી મહત્વની શહેરી અસ્કયામતમાં પરિવર્તિત કરી શકાય છે. આ માટેની દરખાસ્તો 1960ના દશકથી કરવામાં આવી હતી, અંતે 1998ના વર્ષમાં આ વિવિધલક્ષી પ્રોજેક્ટનું સ્વપ્ન સેવવામાં આવ્યું અને શહેર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો.
Your browser is out-of-date!

Update your browser to view this website correctly. Update my browser now

×